અમદાવાદ: જ્યાં કાયદા છે, પણ વ્યવસ્થા નથી!!

૨૮/૧૨/૨૦૧૪ સ્થળ: ધરણીધર દેરાસર, અમદાવાદ સમય : રાતના લગભગ ૦૯:૩૦

અમુક પોલીસવાળાઓ, લગભગ ૨૦-૨૫ જેવા.. અચાનક ધરણીધર દેરાસર પાસેના સ્થળે આવે છે.. જ્યાં આખું વર્ષ, એ કોમ્પ્લેક્ષમાં ભીડ હોય છે, ખાસ તો રાતના સમયે.. યંગસ્ટર્સ ત્યાં હેન્ગઆઉટ માટે આવતા હોય છે અને ઘણા લોકો પોતાના ફેમીલી સાથે પણ આવતા હોય છે.. જ્યાં તમને વર્ષના કોઈ પણ દિવસે.. કતારબંધ વાહનો જોવા મળશે.. ઘણા બધા ૨-વ્હીલર્સ અને અમુક ૪-વ્હીલર્સ. અને એજ સ્થળે, અત્યારે આ પોલીસવાળાઓ આવીને વાહનો રીતસરના ફેંકવા માંડે છે.. તેની હવા કાઢી નાખવામાં આવે છે. અહિયાં ‘નો પાર્કિંગ’ નું કદાચ કોઈ પણ બોર્ડ નથી લગાવેલું, અને આગળ કહ્યું એમ જ, કાયમ આવનારા લોકો માટે અહી પોતાનું વાહન પાર્ક કરવું એ કોઈ નવી વાત પણ નથી.. હું પોતે ત્યાં હાજર હતો અને આ ઘટના મારી સાથે પણ થઇ છે. કમનસીબે એ સમયે કેમેરો ના હોવાથી તેની તસ્વીર લઇ શકાઈ નથી. ૩૧ ડીસેમ્બર આવે છે, તેના કારણે કદાચ આ હોઈ શકે.. વર્ષનો છેલ્લો રવિવાર છે.. તેથી કદાચ, આ કરવામાં આવેલું હોય.

૨૯/૧૨/૨૦૧૪ સ્થળ: સીટી ગોલ્ડ સિનેમા, અમદાવાદ, બપોરનો સમય

કેટલાક લોકોનું ટોળું અચાનક આવે છે.. સિનેમા હોલ માં ઘુસી જાય છે.. બધું તોડી ફોડી નાખે છે.. જે લોકો સિનેમાહોલમાં ફિલ્મ જોવા ગયા હશે.. તેમની હાલત વિષે તો કલ્પના પણ કરી ના શકાય!! ‘દિવ્ય ભાસ્કર’ ની વેબ સાઈટ પર વાંચ્યા પ્રમાણે.. જે લોકોએ આનો વિડીઓ લેવાનો પ્રયાસ કર્યો.. તેમને પણ ધમકાવવામાં આવ્યા.. આ એજ જગ્યા છે જેની આસપાસ ખાસા પ્રમાણમાં કહી શકાય તેવી પોલીસ હાજર રહે છે અથવા તો ટૂંક સમય માં જ આવી જઈ શકે છે.

આશ્રમ રોડ પરના સિનેમાઘરની બોક્સઓફિસનો વલી ગયેલો કચ્ચરઘાણ.
આશ્રમ રોડ પરના સિનેમાઘરની બોક્સઓફિસનો વલી ગયેલો કચ્ચરઘાણ.

( તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

ઉપરના બંને પ્રસંગો. ૨૪ કલાક કરતા પણ ઓછા સમયમાં, એક જ શહેર માં થયેલા છે. આમ જોવા જઈએ, તો ધરણીધર દેરાસર પર, પોતાના મિત્રો અને પરિવાર સાથે બેસેલા, શહેરના પ્રમાણિક અને સુજ્ઞ કહી શકાય તેવા લોકો સાથે ‘આરોપીઓ’ સાથે કરવામાં આવે તેવો વ્યવહાર કરવામાં આવ્યો… જયારે બીજી બાજુ, જે કૃત્ય બપોરે થયું છે, એમણે ઘણા બધા કાયદાઓ તોડ્યા હશે, એ જાણવા માટે આપણે કાયદાના અભ્યાસી કે નિષ્ણાત થવું જરૂરી નથી..એ સામાન્ય જ્ઞાનથી જ આપણને ખબર પડી જાય છે. આ લોકો પર કાર્યવાહી કરવી, વાસ્તવમાં ખૂબ જ સહેલી હોવી જોઈએ. તેથી તેમણે સજા થાય એ જરૂરી છે.

જો ઉપરનો, ધરણીધરવાળો દાખલો લઈએ, તો પોલીસતંત્ર ના આ વલણથી એ બાબત સાબિત થાય, કે અમદાવાદ માં કાયદાનું ખૂબ જ કડકાઈથી પાલન થાય છે.. નહિ તો કરાવવામાં આવે છે. તો જે બીજો પ્રસંગ લખ્યો છે, તેના ‘આરોપીઓ’ ને, અમદાવાદનું કાયદા તંત્ર છોડશે જ નહિ… પરંતુ તેમણે સજા ના થઇ તો શું?? એટલે કદાચ અમદાવાદ ના પોલીસ વિભાગ પ્રમાણે, જે વ્યવસ્થિત રીતે, ત્યાં પાર્કિંગ કરે એ લોકો…આ તોડફોડ કરનારા તત્વો કરતા વધુ ‘ખતરનાક’ કહી શકાય તેવા છે. આ તત્વો, કે જે શહેરના સહુથી પ્રતિષ્ઠિત કહી શકાય તેવા વિસ્તારમાં, તે ઈમારતમાં, કે જ્યાં લોકો પોતાના પરિવાર સાથે આવે છે, તેની તોડફોડ કરે છે, જે સામાન્ય નાગરિકની જિંદગી જોખમાય તેવું કૃત્ય કરે છે. તો પછી, જે સામાન્ય જનતા છે, જે શહેરના આવા સ્થળ પર પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે કે એકલા આવે છે, એમના રક્ષણ ની જવાબદારી કોની?

આ પ્રશ્ન ખૂબ જ અઘરો છે.. પણ, વાસ્તવમાં સાવ સહેલો. આ બધાનો જવાબ, કાયદામાં તો છે જ. પણ, તેનું પાલન કોણ કરાવે? જો અમદાવાદનું પોલીસ ખાતું આની જવાબદારી ના ઉઠાવી શકે, તો પછી સામાન્ય જનતા પાસે રસ્તો શું? કદાચ નીચે લખ્યું એ પ્રમાણે..

  • જાહેર જગ્યાએ જતા પહેલા, પોતે જેમ મોટા નેતાઓ અને શહેરના મહાનુભાવોની જેમ ‘બોડીગાર્ડ’ કે ‘બાઉન્સર’ (હા ભાઈ, રાખે છે!!) સાથે રાખે.
  • તમારી પર કોઈ વ્યક્તિ આવીને કઈ હમલો કરી જાય, એની સાચી માહિતી રાખવાની અને તપાસ વગેરે કરવાની જવાબદારી તમારી.
  • શહેરમાં અમુક એવા તત્વો થી બચવા, કદાચ તમારે સાથે હથિયાર લઈને સ્વરક્ષાની જવાબદારી રાખવી જ પડશે.
  • જો શહેરમાં તમારા પરિવાર સાથે જાહેર સ્થળે જવું હોય.. તો તેમના રક્ષણની જવાબદારી તમારે જ રાખવી પડશે.

આ લખ્યું એ વાંચવામાં જ ઘણું હાસ્યાસ્પદ અને કઢંગુ લાગે છે.. પણ, જો આજે થયેલા આ કૃત્ય પર, કોઈનીય પર કોઈ કાર્યવાહી નાં થઇ તો?? કોઈ પણ લોકોને પકડીને તેમણે જેલમાં ના નાખ્યા તો?? અમદાવાદ શહેરમાં સ્ટોપ લાઈન પર ના રોકાવાથી હેલ્મેટ ના પહેરનારા, brts લેન માં વાહન ચલાવાથી રોંગ સાઇડ પર ચલાવનારા, રસ્તા પર દારુ પીને ગાડી ચલાવાથી.. કે પછી ફક્ત દારૂ પીવાથી(હા ભાઈ, એય ગુનો છે ગુજરાતમાં.. અહિયાં દારૂબંધી છે, યુનો!!) ડ્રગ પાર્ટી કરનારા કહેશે…

  • “અહિયાં પકડાય છે કોણ??? કોણ આપણને પકડે છે??”
  • “બોસ્સ… કોન્ટેક્ટ હોય તો બધુય થાય.. એ તો તમને આવડવું જોઈએ!!”
  • “લે.. ચાર વરસથી હેલ્મેટ નથી પહેર્યું.. તોય રોજ બાઈક લઈને જાઉં છું.. કોણ રોકે છે?? તમે બેવકૂફ કે હેલ્મેટ પહેરો છો!!”
  • “આ તો એમને ૩૧ ડીસેમ્બર આવી.. એટલે બધું કરવું પડે.. બાકી વરસમાં ૧૦૦ વખત આ જ રસ્તે દારૂ પીને ગાડી લઈને નીકળું છું.. કોઈ નાં પકડે!!”

ઉપર લખ્યા એમાંથી મોટાભાગના વાક્યો.. ઘણા બધાએ સાંભળેલા જ હશે.. પણ, જો અત્યારે થયેલા આ હમલામાં શામેલ લોકો કે ‘દળ’ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થઇ.. તો તમે વિચાર કરી શકો છો કે ભવિષ્યમાં શહેરમાં કયા પ્રકારના વાક્યો સંભાળવા મળશે??!!??!!

કોઈ પણ પ્રકારના ગુના માટે, ભલે પછી એ નાનો હોય કે મોટો, આપણા કાયદામાં તેના માટેની સજા અને કાર્યવાહી વિષે લખવામાં આવેલું જ છે.. પરંતુ તેનું પાલન કરાવવાની જવાબદારી કોની?? અલબત્ત, પોલીસ વિભાગની, ટ્રાફિક પોલીસની, અધિકારીઓ, મંત્રીઓ.. આ તેમની જવાબદારી છે..

એક જવાબદાર નાગરિકની ફરજ છે, કે હમેશા કાયદાનું પાલન કરે, તેનું પૂરેપૂરું સન્માન કરે, શહેર, દેશ કે સંવિધાન ને કોઈ નુકસાન કે તેનું અપમાન ના થાય તેની પૂરેપૂરી તકેદારી રાખે. સાચી વાત.. પરફેક્ટ.
પણ, એ જ નાગરિકને, કાયદાનું પાલન કરવાથી ગાળ ના સંભાળવી પડે તે વાતાવરણ આપવાની જવાબદારી કોની? તે નાગરિકના સન્માન અને આત્મસન્માનની રક્ષા કરવાની જવાબદારી કોની? એ સંવિધાન પર ભરોસો કરીને ચાલે, તો એના ભરોસાને બરકરાર રાખવાની જવાબદારી કોની? જેમ, લોકો પાસેથી કાયદાનું પાલન કરવામાં આવે તેવી અપેક્ષા રખાય છે, તો એમને એ વાતાવરણ આપવાની જવાબદારી પણ લેવી જોઈએ આ તંત્રએ..
રેડિયો મિર્ચી, રેડ એફએમ જેવા લોકો, જે આવા કાર્યક્રમો રાખે છે, જનતાને સમજાવવા બેસી જાય છે, ટ્રાફિક કમિશનરનો મેસેજ લોકો સુધી પહોંચાડે છે… આ એમની જવાબદારી છે, કે એ લોકો જવાબદાર લોકો સુધી આ મેસેજ પહોંચાડે અને એમની પાસેથી જવાબ માંગવામાં આવે.

આ બધું થવાનું કારણ એક જ છે… કાયદાનું પાલન. કોઈનાથીય ડર્યા વગર, કોઈનીય બીક વગર, જે તટસ્થપણે થવું જોઈએ એ કરો!! આ નથી થતું, એના લીધે ‘બજરંગ દળ’ અને ‘વિશ્વ હિંદુ પરિષદ’ જેવી સંસ્થાઓ, પોતે શહેરના માલિક બની બેઠા હોય તેવા કામ કરી રહ્યા છે. આ ‘દિવ્ય ભાસ્કર‘ના સમાચાર વાંચીને વધુ ખબર પડી છે. એમની વિચારસરણી, મંતવ્ય અને માન્યતા, બીજો જ વિષય છે અને હા એ પણ સાવ અણઘડ કહી શકાય તેવા છે. પણ એનો અર્થ એવો, કે તમારે તમારી વાત કહેવી હોય, તો તમે કાયદો તોડશો તો ચાલશે!! એ લોકો કેમ ભણેલા અને કાયદાની મર્યાદામાં જીવનારા વ્યક્તિઓની જેમ પોતાની વાત મુકે તેવું વલણ અપનાવતું નથી?? ધર્મના નામે કાયદો તોડે તે ના ચાલે, ના ચાલે અને નાં જ ચાલે!!! આ વાત સમજાવવાની જવાબદારી એ અધિકારીઓ અને પોલીસ તંત્ર ની છે!!

મુખ્ય વાત: જો પોલીસ તંત્ર અને આ અધિકારીઓ કોઈનીય કોઈ ‘મજબૂરી’ હોય, તો તેને કમ સે કમ સ્વીકારો તો ખરી!! લોકોની સામે આવીને એમ કહી દો, કે કાયદેસર અમારે આ કરવું છે અને એમાં અમે પાછા પડીએ છીએ, અમારી મર્યાદા આવી જાય છે અને છેલ્લે તો એમ કહી દે.. કે અમને તમારી મદદની જરૂર છે.. તો એમની ઈમાનદારી તો દેખાશે!! અને કદાચ જે લોકો મીણબત્તી લઈને નીકળી પડે છે, ગરીબોને ધાબળા આપવા એકસાથે જાય છે કે ટ્રાફિક રોકવા ઉભા રહી જાય છે તે કદાચ એમની સાથે જોડાઈ પણ જાય!!

જો તમે કાયદા બનવાની તાકાત રાખો છો, તો તેનું પાલન કરવાની તાકાત અને દાનત રાખો. અને જો પહોંચ ના હોય.. તો એવા કાયદા જ ના બનાવો (જેમ કે, હેલ્મેટ નો કાયદો) !! તમે કાયદો બનાવીને એમ જ વિચારશો, કે લોકો આનું પાલન કરશે જ, તો તો તમે જ કાયમ માટે બેકાર થઇ જશો અને પછી તમારી જરૂર જ શી છે? અમુક લોકો શહેરમાં એવા છે જ, જેઓ કાયદાને નથી ગંભીરતાથી લેતા કે નથી લેવાના.. એમની પાસે કાયદાનું પાલન કરવાની કે પછી એમને ‘સીધા કરવાની’ જવાબદારી તમારી જ છે!! જો તમે તેની પર કઈ નહિ કરો,, એ જોઇને બીજા એ કરશે.. પછી માન્યતા એ થઇ જાય છે કે ‘પેલો કઈ કરે તો નથી પકડાતો.. તો હું પણ કેમ આમ ના કરું?’ અને આમ જ શહેરમાં અરાજકતા ફેલાયે રાખે છે!!

આશા છે, કે આ વખતે આની પર કોઈ કાર્યવાહી થાય અને કૈક સારું પરિણામ નીકળે.. નહિ તો આ રીતે લખાયેલા લેખો, પાંચ-દસ વર્ષ પછી ફરી ફક્ત શેર કરવામાં આવે તો પણ બધું એમ ને એમ જ હોય છે!!

Advertisements

One thought on “અમદાવાદ: જ્યાં કાયદા છે, પણ વ્યવસ્થા નથી!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s